ભગવાન મહાવીરની કથા

પર્યુષણ પર્વ 2025 નિમિત્તે આ સુંદર બ્લોક પોસ્ટની અંદર ભગવાન મહાવીર ની કથા આપવાનો પ્રયત્ન કર્યો છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ એ મોટું ધાર્મિક તહેવાર છે. આ તહેવાર નિમિત્તે અહીંયા ભગવાન મહાવીર ની કથા સૌને ઉપયોગી થશે.

ભગવાન મહાવીરના જન્મની કથા

ભગવાન મહાવીર એ 24 માં તીર્થંકર છે. રાજા સિદ્ધાર્થ તેમના પિતા અને ત્રિશલા તેમના માતા હતા. ભાદરવા સુદ એકમે જ્યારે ભગવાન મહાવીર માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે તેમને ચૌદ દિવ્ય સ્વપ્નોના દર્શન થયા. આ સ્વપ્નોમાં તેમણે ધવલ હાથી, શ્વેત વૃષભ, સિંહ, કમલાસના લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, સુવર્ણમય દંડ પર ફરકતી ધજા, જલપૂર્ણ કુંભ, પદ્મ સરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્ધૂમ અગ્નિના દર્શન થયા. આ દિવ્ય ચિન્હો દિવ્ય બાળકના આગમનના પ્રતિક હતા. માતા ત્રિશલાએ ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ દિવ્ય બાળકને જન્મ આપ્યો. તેમના જન્મ થયાની સાથે જ રાજ્યમાં ધન, ધાન્ય, આશ્વર્ય અને વૈભવની સમૃદ્ધિ થઈ તેથી તેમનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

વર્ધમાન ‘મહાવીર’

બાળ વર્ધમાન ખૂબ જ નીડર, વીર અને પરાક્રમી હતા. એકવાર મિત્રો સાથે ઝાડ પર ચડીને ક્રીડા કરી રહ્યા હતા ત્યારે સમંગ નામના દેવ તેમની પરીક્ષા લેવા માટે વિશાળ સર્પનું રૂપ લઈને પ્રગટ થયા. જે ઝાડ પર એ લોકો બેઠા હતા એ ઝાડના થડ સાથે એ સર્પ વીંટળાઈ ગયો. સૌ બાળકો સર્પથી ભયભીત થઈને ઝાડ પરથી કૂદકો મારી ભાગી ગયા. પરંતુ બાળ વર્ધમાન એ વિશાળ સર્પને પકડીને નીચે ઉતર્યા અને સર્પ સાથે રમવા લાગ્યા. વર્ધમાનની વીરતા જોઈને સમંગ દેવ મૂળ રૂપમાં પ્રગટ થયા. ત્યારથી જ બાળ વર્ધમાન ‘મહાવીર’ નામે ઓળખાયા.

યુવાવસ્થા/તીર્થંકર

યુવાવસ્થાએ જ તેમણે સંસાર છોડીને બાર વર્ષ કઠોર તપસ્યા કરી હતી. જેમાં તેમણે કાનમાં ખીલા જેવા કાષ્ઠ શૂળ લાગવાથી માંડીને ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા, અનેક દિવસોના લાંબા-લાંબા ઉપવાસ કરવા, જંગલી પ્રદેશના નિર્દય લોકોની વચ્ચે સમભાવથી વિહરવા જેવી વિકટ અગ્નિપરીક્ષા આપી. બાર વર્ષના અંતે અપાપા નગરી (હાલની પાવાપુરી)ની નજીક જૃંભિક ગામની બહાર ઋજુવાલુકા નામની નદીના કિનારે એક શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે મહાવીર સાધક માંથી સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી જિન અને તીર્થંકર બન્યા.

Leave a Comment