જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત એટલે ‘ક્ષમા’ અને પર્યુષણ એ ‘ક્ષમા’ નો પર્વ છે. તેથી તે વિશ્વભરના જૈનો માટેનો પ્રમુખ તહેવાર છે.
સામાન્ય રીતે પર્યુષણ શ્રાવણ મહિનાના છેલા ચાર દિવસ અને ભાદરવા મહિનાના પ્રથમ ચાર દિવસ એમ આઠ દિવસનો પર્વ છે. જે આ વર્ષે 20 ઓગસ્ટ થી શરૂ થઈ 27 ઓગસ્ટ સુધી ચાલશે. શ્વેતાંબર જૈનો પર્યુષણ આઠ દિવસ ઉજવે છે, જ્યારે દિગંબર જૈનો દસ દિવસ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું
પર્યુષણ કેવી રીતે ઉજવવામાં આવે છે?
પર્યુષણ શબ્દનો અર્થ છે ‘પાલન કરવું’. જો કે આ શબ્દની સાથે ‘સૌ પ્રકારે વસવું’ અથવા ‘આત્મામાં વસવું’ નો ભાવ પણ જોડાયેલો છે. માટે જ આ આઠ દિવસો દરમિયાન જૈનો ઉપવાસ, અભ્યાસ અને ધ્યાન દ્વારા શરીર અને મનનું શુદ્ધિકરણ કરી આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે. આ પર્વનો ઉદેશ્ય તમામ નકારાત્મક વિચારો, ઉર્જા અને મનની આદતોનો નાશ કરવાનો છે. પર્યુષણમાં યોગ્ય આચરણ, અહંભાવનો ત્યાગ, ધીરજ, સયંમ, જ્ઞાન મેળવવો, 24 તીર્થંકરોની સ્તુતિ કરવી, ગુરુવંદના કરવી અને પ્રતિક્રમણ જેવા મૂળભૂત વ્રતોનો વિશેષ મહત્વ હોય છે. પ્રતિક્રમણ એક ધાર્મિક વિધિ છે. જેમાં રોજ સાંજે જૈનો જાણે અજાણે મન, વાણી અને વર્તનથી થયેલા પાપો માટે પસ્તાવો કરીને ક્ષમા યાચના કરે છે. તો શરીરની શુદ્ધિ માટે ફક્ત ઉકાળેલા પાણી સાથે કઠોર ઉપવાસ પણ કરે છે.
પવિત્ર ધર્મ ગ્રંથ ‘કલ્પસૂત્ર’
પર્યુષણમાં સાધુઓ વર્ષાઋતુને ભાગ રૂપે સૂક્ષ્મ જીવસૃષ્ટિની હિંસા ટાળવા વિહાર કરતાં નથી. તેથી શ્રાવકો તેમને નગરમાં આમંત્રણ આપે છે અને તેમના સાંનિધ્યમાં જ્ઞાન મેળવવાની તક મેળવે છે. રોજ સવારે નિયત સમયે ઉપાશ્રયમાં સાધુઓ ધાર્મિક વ્યાખ્યાન આપે છે. જૈનો સાધુઓને સંગે જ્ઞાન અર્જિત કરવામાં મન લગાડે છે. તેઓ ભગવાન મહાવીરના જીવન ચરિત્ર આલેખાયેલું પવિત્ર ધર્મ ગ્રંથ ‘કલ્પસૂત્ર’ નું પૂજન અને વાંચન કરે છે. તો નવકાર મંત્રના જપનો પણ વિશેષ મહત્વ રહે છે.
પર્યુષણ પર્વ સંકલ્પ
પર્યુષણ પર્વ એ બહારની પ્રવૃતિઓ બદલવાનું નહિ પરંતુ ભીતરની વૃત્તિઓ બદલવાનું પર્વ છે. આપણે સંકલ્પ કરીએ કે આ આઠ મોટા દિવસોમાં :
– હું ક્રોધ નહિ કરું,ભાવાત્મક પ્રતિક્રિયા નહિ કરું.
– હું કોઈની નિંદા નહિ કરું.
– હું કોઈની ઈર્ષ્યા નહિ કરું પણ પ્રમોદભાવ રાખીશ.
– હું સત્ય જ બોલીશ, જૂઠું નહિ બોલું.
– હું ડેરી પ્રોડક્ટ નહિ વાપરું. ગાયો પર જે રીતે અત્યાચાર થાય છે એ માટે દૂધ એ માંસાહાર જેટલું જ અભક્ષ્ય ગણાવું જોઈએ.
– હું રોજ 15 મિનિટ ધ્યાન કરીશ.
– હું રોજ એક કલાક મૌન રાખીશ.
– હું પોતાના દોષો જોઈ, તેમાં સુધાર લાવી ભાવ પ્રતિક્રમણ કરીશ.
– મારા દ્વારા થયેલી ભૂલોની હું ઉદારતાથી ક્ષમા માંગીશ અને કોઈની ભૂલો માટે નમ્રતાથી ક્ષમા માંગીશ.
આ આઠ દિવસના પર્યુષણ માત્ર આઠ દિવસ માટે સારા બનવા માટે નથી. આ પર્વ સમગ્ર જીવનને બદલવાનો ઉપક્રમ બનવો જોઈએ. આ પર્વમાં માત્ર જૈનો જ કેમ, આત્મ સુધાર કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ જોડાઈ શકે છે. મહાવીર પણ ક્યાં જૈન હતા? બધા તીર્થંકરો રાજપૂત હતા. આ ક્ષત્રિયનો ધર્મ છે. આત્મા સાથે યુદ્ધ કરવાનો ધર્મ છે. આત્માને જીતવાનો ધર્મ છે. આ પર્વ બાહ્ય આડંબરનું કે દેખાવો કરવાનું પર્વ નથી, આ પોતાની જાતને સુધારવાનું અને માંજવાનું પર્વ છે.
|| પર્યુષણ પર્વ|| FAQ
દસલક્ષણ પર્વ શું છે?
દિગંબર જૈનો દસ દિવસ પર્યુષણ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે
દિગંબર જૈનો કેટલા દિવસો ઉજવે છે?
દિગંબર જૈનો દસ દિવસ પર્યુષણ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે
પર્યુષણ શબ્દનો અર્થ શું છે?
પર્યુષણ શબ્દનો અર્થ છે ‘પાલન કરવું’. જો કે આ શબ્દની સાથે ‘સૌ પ્રકારે વસવું’ અથવા ‘આત્મામાં વસવું’ નો ભાવ પણ જોડાયેલો છે.